કોડીનાર ઘણું પૌરાણિક નગર છે. જે અનુસાર અહીં ઘણાં જૂના મંદિરો હતાં. પરંતુ તેમાના ઘણાં મંદિરો નાશ પામ્યા છે. તો ઘણાં પરિવર્તન પામ્યાં છે જેમાંના હાલ નીચે પ્રમાણેના મંદિરો લોકશ્રદ્ઘાના કેન્દ્રો તરીકે હાલ વિદ્યમાન છે.
સોમાનાથ મંદિર : આજે કોડીનારનું સુંદર અને શ્રેષ્ઠ ગણાતું આ મંદિર ગાયકવાડના સુબા શ્રી વિઠ્ઠલરાવ દેવાજીએ ૧૮ર૦ના સમયગાળામાં બંધાવેલું છે. જેનો આગળનો મંડપભાગ ચતુર્થ ગુંબજવાળો છે તે "સભા મંડપ" ભાગ ૧૯૯૦-૯૧ માં પૂર્ણ કરેલ છે. આ સભા મંડપ ભાગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંધાયેલ છે. વિશાળ પ્રાંગણ ધરાવતું અને નગર મધ્યે છતાં શીંગવડા નદીના પૂર્વ ભાગે તટ ઉપર આવેલું છે જેથી તેના સ્થાન પરત્વે શોભા રમણીય બની રહે છે. આ મંદિરની આજુબાજુ મહાકાલિ અને ભદ્રકાલિના મંદિરો આવેલા છે. આગળના ભાગે નદીનું વિશાળ શિલ્પ ધરાવતું મંદિર તથા મારૂતિ મંદિર આવેલ છે.
બાપેશ્વર શિવ મંદિર : આ મંદિર ઘણું જ પૌરાણિક છે. જે નગરની ઈશાન દિશાએ થોડે દૂર આવેલું છે. આ મંદિરનો ઘણોજ પ્રભાવ હતો અને તે પૂર્વે "બાલેશ્વર" તરીકે ઓળખાતું શદમાં સતકમાં આ મંદિરનો મહમદ ગીઝની દ્વારા ભંગ કરવામાં આવેલોં. હાલ પણ તે મંદિરમાં રહેલ લિંગ ભગ્ન હાલતમાં છે.પરંતુ આ મંદિર આજે પણ પૂર્ણ શ્રદ્ઘાથી ધબકતું રહ્યું છે. હાલ તે બાપેશ્વર તરીકે ઓળખાય છે.
કોટેશ્વર શિવ મંદિર : આ મંદિર પણ પુરાણ પ્રસિધ્ધ છે અને કોડીનારની દક્ષિણે આવેલું છે. સોમનાથ લુંટવા આવેલ ગીઝનીએ આ મંદિર પણ ભગ્ન કરેલું. આ મંદિરના પ્રાંગણમાં વિશળદેવ વાઘેલાના શાસનકાળ (૧ર૬ર-૭૦ પ્ર. અને સી.) દરમ્યાન લખાયેલ એક પ્રશસ્તિલેખ જે કાળા પથ્થર ઉપર અતિ સુંદર અક્ષરોમાં લખાયેલ ઘણોજ આકર્ષક છે અને હાલ વડોદરા મ્યુઝીયમમાં સંગ્રાયેલો છે. બાલેશ્વર અને કોટેશ્વરના મંદિરો સોલંકી કાળ વખતની શૈલીમાં બનેલાં છે. પરંતુ હાલ તેનો પુનરોંદ્ઘાર થતાં નવા બાંધકામને લીધે થોડા બદલાયેલા લાગે છે.
જંગલેશ્વર મંદિર : આ મંદિર કોડીનારની પૂર્વ દિશાએ મુખ્યમાર્ગની બાજુમાં આવેલ છે. આ મંદિર લગભગ ૧૮પ૭ના સમયગાળાની અંદર બનેલું છે.
આ સિવાય નગરની અંદર દશાવતાર મંદિર, ત્રિકમરાય મંદિર, રણછોડજી મંદિર, રઘુનાથ મંદિર, ધર્મેશ્વર મંદિર, મહાકાલેશ્વર મંદિર, નરસિંહજી મંદિર (આ મંદિરનું સ્થાપ્ત જૈન શૈલી છે.) તેમજ વિશાળ સુંદર હવેલી આવેલ છે. (અહીં માત્ર મંદિરોની સામાન્ય માહિતી જ આપવાની હોય તેના વિશે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવેલ નથી - લેખક)
કોડીનાર નગરનું નામ જેના ઉપરથી આપવામાં આવ્યું છે એવી એક માન્યતા અનુસાર અહીં નગરની પશ્ચિમ બાજુએ નદી કિનારા ભાગે "કુબેરેશ્વર" મંદિર આવેલું છે. જે ઘણું પુરાણું છે અને બે શિવલીંગોવાળું છે. નગરની દક્ષિણે સીમ ભાગમાં "ભુખેશ્વર" નામક શિવમંદિર આવેલ છે.
મેળાઓ : કોડીનાર નગર ક્ષેત્રમાં હાલ કોઈ મેળાનું સ્થાન નથી કે મેળાઓ ભરાતાં નથી. પરંતુ પ્રખ્યાત કોટેશ્વર મંદિર આગળ પૂર્વે સાતમ-આઠમ (જન્માષ્ટમી) નો મેળો ભરાતો જે હાલ બંધ થઈ ગયેલ છે.
કોડીનાર નગરજનોનું લોકમાનસ મિલન સાર, શાંતિ પ્રિય અને સહનશીલ ભાવનાવાળું છે. સાથો સાથ લોકો ઉત્સવ પ્રિય છે. અહીં જન્માષ્ટમી, હુતાસણી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા, દિવાળી અને મહોરમ ઈદ વગેરેના તહેવારો ઘણી ધામધુમથી ઉજવવામાં આવે છે. એક બીજાને સહકાર આપવાની ભાવના હોવાથી અહીંયા કોમીભાઈચારો જોવા મળે છે.