કોડીનારમાં બાળાઓ માટે હાઈસ્કૂલની વ્યવસ્થા થઈ પરંતુ એક મદ્રાસાના મકાનમાં અને પછી ત્યાંથી બાળાઓની સંખ્યા વધતા બ્રહ્મપુરીમાં મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલ ભાડાના મકાનમાં કાર્યરત હતી. બાળાઓ માટે એક અલગ જ પોતાનું મકાન શાળા હેતુ માટે હોવું જરૂરી હતું. એ જ પ્રમાણે પ્રાથમિક શાળાનું મકાન પણ હોવું જરૂરી હતું. પ્રાથમિક કન્યા અને કુમાર શાળા માટે તેમજ અલગ મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલ માટેનું કાર્ય આરંભાયું તેમાં મૂળ કોડીનારના પરંતુ વેપાર ઉદ્યોગ અર્થે મુંબઈ વસતા કોડીનાર નિવાસી લોકોનો આર્થિક સહયોગ મળવો જરૂરી હતો. તેના માટે મું શ્રી અમુભાઈ જાનીના પ્રસ્તાવ અનુસાર ’’ કોડીનાર કેળવણી મંડળ’’ની સ્થાપના કરવામાં આવી. પ્રાથમિક શાળાનું સુવિધા પૂર્ણ મકાન ઉના રોડ પાંજરાપોળથી ઓળખાતા ભાગ ઉપર તૈયાર થતાં, કોડીનાર કુમાર શાળાનું મકાન ખાલી થયું અને તે સ્થળ ઉપર સ્વતંત્ર ગર્લ્સ હાઈસ્કૂલ માટે બનાવવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું અને સુંદર બે માળનું મકાન ગર્લ્સ હાઈસ્કૂલ માટે સોમાનાથ મંદિરના સાનિધ્યમાં તૈયાર થયું અને ત્યાં સુવિધાવાળા, હવા ઉજાસવાળા બિલ્ડીંગમાં ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ અને કોડીનારની વિદ્યાર્થીનીઓને એક સુંદર ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન પ્રાપ્ત થયું. આ કાર્યમાં મુંબઈ નિવાસી શેઠ નગીનદાસ વિઠ્ઠલભાઈ શાહ, શ્રી જગમોહનભાઈ તથા અન્ય શ્રેષ્િઠઓ સહિત સર્વશ્રી દુર્લભદાસ પી. શાહ,અબુમીયાં બાપુ નકવી, નરોતમભાઈ ગાંધી, કરશનદાસ લ. શાહ, લખમણભાઈ બાંમણિયા, ગનીભાઈ કચ્છી, ગોરશ્રી વજેશંકરજી જોષી, કાળુ બાપુ નકવી, વનરાવનભાઈ રૂપારેલ, બાબુભાઈ શાહ, જીવાભાઈ ડોડીયા, ભીખુબાપુ કાદરી, જમનભાઈ ઠકરાર, જયસુખભાઈ વિઠલાણી વગેરે અનેક મહાનુભાવોએ આ કાર્યમાં સહયોગ દાખવેલો અને જેઓના માર્ગ દર્શનથી કોડીનાર નગરના વિકાસને ગતિ મળી, એમ કહી શકાય. |